વસંત આવે છે…!!!

લાલ પીળી  સુગંધ આવે છે,
ફાગણીયો ઉમંગ  આવે  છે.

કૂંપળે  ઘોષણા  કરી  છે, કે-
પાનખરનો રે અંત આવે  છે.

મૉર આંબે અથાગ ઝૂલે  છે,
કહી દો સૌને વસંત આવે છે.

કેસરી  વેશ   કેસૂડો, જાણે-
દૂરથી કોઈ  સંત  આવે  છે.

શબ્દ સ્ફુરે કલમ  ઉપાડું, ને-
ભીતરે  કંઈ તરંગ આવે  છે.

-અશોક વાવડીયા

છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન

ગઝલ..લોકશાહી થાય નૈ…!!!

ત્યાં સુધી કલિની તબાહી થાય નૈ,
જ્યાં સુધીને ઈશ,ઇલાહી થાય નૈ.

હોય છે શુભ કર્મનાં એ ફળ થકી,
આફડી કદી વાહવાહી થાય નૈ.

છે ગુનો કરનાર, છાવરનાર અહિ;
ત્યાં ઉપર કોઈ ગવાહી થાય નૈ.

છે જરૂરી રાહ સાથે રાહબર,
એ વગરના કોઈ રાહી થાય નૈ.

લોક હો, લોકોપયોગી તો બને;
બોલવાથી લોકશાહી થાય નૈ.

-અશોક વાવડીયા

છંદ= રમલ બહર નો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

ગઝલ…કારણ વિના…!!!

તું પ્રથમ મળ  એક  પણ  કારણ  વિના,
સ્નેહ સૌ કળ એક  પણ  કારણ  વિના.

પ્યાસ  મારી   જોઈ   રણના   ઝાંઝવા,
થાય જો જળ એક પણ  કારણ  વિના.

થાય    દુશ્મનનું    ભલું    મારા    થકી,
હે  દુવા  ફળ  એક  પણ  કારણ  વિના.

જે  તળેટી  પર  છે,  શિખરે  એજ  છે;
જળ સમો  ઢળ એક પણ કારણ વિના.

દુખ   વિચારીને   દુખી   શે   થાય   છે,
ખુશ રે હર પળ એક પણ કારણ  વિના.

-અશોક વાવડીયા

છંદ= રમલ બહરનો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુઈન

ગઝલ…તુમાર ઘૂંટે છે…!!!

હાથમાંથી    સવાર   છૂટે  છે,
એમનાં  સૌ  ખવાબ  તૂટે  છે.

નિત્ય માળીપણું કરે છે એજ,
બાગમાં ના  ગુલાબ  ચૂંટે  છે.

શેખચલ્લી   વિચાર   વાળાનું,
એકનું  એક  નસીબ   ફૂટે  છે.

વાલ્મિકી વેશમાં  હજું  ઝાઝા-
વાલિયા મન સમાજ  લૂંટે  છે.

શબ્દ ‘રોચક’,વિચાર નોખાં છે;
એ  કલમથી  તુમાર*  ઘૂંટે  છે.

-અશોક વાવડીયા

*તુમાર= કાગળ
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન


ગઝલ..દૂર ક્ષિતિજે…!!!

પામશું  એવીજ સૌ જન કાલને,
વાવશું  જેવી   મળીને  આજને.

વ્યાપ નફરતનો જ  ચારેકોર  છે,
કોઈ   તેડાવો  હવે  તો  વ્હાલને.

લોક સંગાથે મળી સળગે દિવસ, 
શાંતિ  છે  શમણે  મઢેલી  રાતને.

જણ ફુલાઈ એમ  ફેલાઈ  નગર,
સાવ    કોરાણે   મુકીને   ગામને.

દૂર ક્ષિતિજે કરું “રોચક” નજર,
કોણ ટેકો  આપી  ઊભું આભને.!

– અશોક વાવડીયા

છંદ= રમલ બહરનો ૧૯ માત્રા

……………………………………..કવિની કલ્પના માત્ર.

ગુજરાતી શબ્દો 
ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

ગઝલ..સ્નેહનું ઝરણું…!!!

હાર માની હાથ જોડી  હું  કદી  ઝૂકું  નહીં,
છે જરૂરતથી વધું આગળ  કદી  દેખું  નહીં.

આપણી રેખા સદા મોટી કરું હું શ્રમ  થકી,
ચીતરેલી   કોઈની   રેખા  કદી  ચેકું  નહીં.

ભૂલ મારી લઉં સુધારી શક્ય હો મારા થકી,
ટોપલો હો આળનો હું કોઈ પર  મેલું  નહીં.

હું પહેલાં એક મંજિલ,એક લક્ષ નક્કી કરું;
વ્યર્થ પથ્થરને ગમે ત્યાં  હું  કદી  ફેકું  નહીં.

સ્નેહનું ઝરણું  વહે મારા  મહીં,સૌના મહીં;
 કોઈને  ના રોકવા  દઉં  હું  કદી  રોકું  નહીં.  

-અશોક વાવડીયા

છંદ= રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન

ગઝલ..સવાલ નોખા છે…!!!

એજ  કારણ  વિચાર  નોખા   છે,
જેટલાં  મન   તમામ   નોખા   છે.

કોઈ     લાચાર,   હર્ષના     પૂછે;
ભાવ  નોખા,   સવાલ  નોખા  છે.

અશ્વ, કીડી, મનુજ, બળદ, હાથી;
પ્રાણ એક, *પ્રાણવાન  નોખા  છે.

સિંધુ સમ દિલ,જીવન ઝરણ જેવું;
દેહ   રૂપી    કમાન    નોખા    છે.

“નોકરી”  “નો કરી”   કરીએ  તો,
બેયના   શબ્દ   ભાવ   નોખા  છે.

*સંગતિ કવિ, કલમ અને  કાગળ;
જાદુગર   સમ  કમાલ  નોખા  છે.

એક    “રોચક”  સવાલ  ઈશ્વરને,
ત્યાં   ઉપર  માલદાર   નોખા   છે ?

-અશોક વાવડીયા

*પ્રાણવાન= સશક્ત,બળવાન
*સંગતિ= સંયોગ,મેળાપ,એકઠું થવું એ

છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન

……………………………………. કવિની કલ્પના માત્ર.


ગઝલ…ઝરણાં દોડે…!!!

જેટલાં એને  દબાવો   એથી  બમણાં  દોડે,
નિત્ય એવા માય ઈચ્છાઓના  હરણાં  દોડે.

શે  કરીને  વાળવા  એને ? મથો આથમણાં,
ધણ મરજીનાં એથી ઉલ્ટાના ઉગમણાં  દોડે.

વાય   વા   વંટોળિયો   ઘોડે   ચડીને   ઉંચે,
એથી  ઉંચે ઊડતી ગપ  જેમ  તરણાં   દોડે.

માય ઉઠતો સ્નેહ સમજાવી  શકો  એ  રીતે,
ગીર  છોડી  સિંધુ  ઘેલાં  જેમ  ઝરણાં  દોડે.

આજતક આવ્યા બધા એ એક’દી સૌ સાથે,
સૌ  પડે  સાચા  નજરમાં  કેદ  શમણાં  દોડે.

-અશોક વાવડીયા

છંદ= રમલ મજનુન બહર નો ૨૫  માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગા
અરબી શબ્દો
ફાઈલાતુન,ફાઈલાતુન,ફાઈલાતુન,ફઅલુન

ગઝલ..ઝરણાં દોડે…!!!

ગઝલ..એક બુઢાપો…!!!

ખ્વાબમાં આવી અમીરી નિત્ય નવ ઈચ્છા  કરે,
સત ગરીબીની કહાની ખાલીખમ ખિસ્સા  કરે.

પાઇપાઈ   જોડતાં  ખુશહાલ  એ  માબાપના,
ભાગ પાડી દીકરા  સગવડ મુજબ હિસ્સા કરે.

છાંયડો, એકાંત, ઉપવન, બાંકડો  સાથે  મળી-
ત્યક્તકર્મા; નિત્ય એકલતા અહીં  ઘિસ્સા કરે.

નિત્ય ભ્રમણાની  કરે  પંપાળ  સપનું  આવતાં,
એક  ઘડપણ આમ મીઠા સ્વપ્નને લિસ્સા  કરે.

એક  યુવાની  કર્મના પૈડાં  તળે  કચડાઈ  ગઇ,
એક બુઢાપો બાળપણની યાદના  કિસ્સા  કરે.

-અશોક વાવડીયા

*ત્યક્તકર્મા= કર્મનો ત્યાગ કર્યો હોય એવું,સરકારી નોકરી છોડી ઘરે બેસેલો
*ઘિસ્સા= ઘસવું  તે ઘર્ષણ.

છંદ= રમલ મહફૂઝ બહર નો ૨૬ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
અરબી શબ્દો
ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલાતુન ફાઈલુન  

ગઝલ..નસીબ જાણેકે…!!!

મન,વગર  પાંખનું અહીં પંખી;
નભ  વિહારી  સમીર  જાણેકે.

છે છતાં,કાંઈ  પાસ  ના  રાખે;
કર્ણ   સમ   દાનવીર  જાણેકે.

અંત  એના   થકી   શરૂઆત,
એક   એવી   લકીર   જાણેકે.

કર્મથી પ્રાપ્ત થાય  એ  સઘળું,
એ જ  સાચું  નસીબ  જાણેકે.

રે  સદા  એ  પરોપકારી  જીવ,
એ  હિસાબે   રહીમ   જાણેકે.

ના  સતત  માંગવું  પ્રભુ  પાસે,
એ જ સાચો  અમીર   જાણેકે.

-અશોક વાવડીયા

*અકિંચન= જરૂરિયાતથી વધારે ધનનો સંગ્રહ નહિ કરનાર

છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન